વિઘ્નહર્તા
વિઘ્નહર્તા અમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓચિંતું વિશ્રુત કહે "યાદ છે ને! તારી મમ્મીએ ગણેશજીની મૂર્તિ લઈ આવવા કહ્યું છે. અને એને લગતી બધી ખરીદી પણ કરવાની છે." "કહ્યું છે મને, કામનો ફડકો તને છે." મેં તેને છાતી પર હળવો ધબ્બો મારતાં કહ્યું. "તારી ઉપર વિશ્વાસ છે એને." કહેતાં એણે મારા ગાલે ચીટીયો ભર્યો. અમે હેલ્મેટ અને માસ્ક પહેર્યા અને નીકળ્યાં બાઇક ઉપર એ બજાર તરફ. વડોદરાનું સંધ્યાનું ફૂલગુલાબી આકાશ જોતાં. કુણો તડકો વૃક્ષોનાં પર્ણો ચમકાવી રહ્યો હતો. અમે સાંજના ટ્રાફિકમાંથી જોડાજોડ બેસી જતાં હતાં. ત્યાં ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો અને કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડ્યાં. આગળ દેખાય નહીં તેવી ધૂળની ડમરીઓ ઉડી. ઓચિંતો જોરદાર વરસાદ તૂટી પડ્યો. રસ્તે જેમજેમ વરસાદ વધ્યો તેમ ટ્રાફિક જામ થવા લાગ્યો. અમે શેરીઓમાં થઈ જલ્દી જવું પસંદ કર્યું. રસ્તે તો ટ્રાફિક જ્યાંત્યાં થંભી ગયેલો દેખાતો હતો. થોડી વાર માટે અમે પલળીને નિતરતાં કોઈ શોપિંગ સેન્ટરની દુકાનની છત નીચે ઊભાં. વરસાદ થોડો ધીમો પડ્યો. અમે બજારમાં પહોંચી ગયાં. ગણપતિની મારી કમર જેટલી ઊંચી...